હું નતો સફર મહીં, સફરમાં તો નાવ હતી,
હું તો હું મહીં હતો, કોની આવજાવ હતી?
જે ક્ષણો અડી ગઈ તે અપૂ્ર્વ લ્હાવ હતી,
ને સકલ સરી જતાં ના કશેય રાવ હતી.
કલ્પનાની કુંજમાં લૂમઝૂમ કલ્પલતા,
જે સ્થળે તૃષા હતી તે સ્થળે જ વાવ હતી.
દૂર દેખવુંય તે નેત્રનોજ ખેલ હતો,
શ્વાસને અઢેલતી તું સમીપ સાવ હતી.
સ્તોત્ર પણ ભલે રચો અંજલી અપાય ભલે,
એ પ્રભાવની પ્રભા તો સહજ સ્વભાવ હતી.