ભભૂતિ શું ભરપૂર ભેટી લઉં છું,
સકળને સમૂળું સમેટી લઉં છું.
ન તો ઊંઘવું આ, ન તો જાગવું આ,
અહર્નિશ ઉજાગર ઉંઘેટી લઉં છું.
હું રેલાઉં, ફેલાઉં, વરસી પડું પણ-
બીજી ક્ષણ મને હું ઉશેટી લઉં છું.
ભલો ભાવ ભગવો, ભલો મેઘધનુષી!
લિપટતું જે આવે લપેટી લઉં છું.
શબદ ક્ષીરસાગર, શબદ શેષશય્યા,
શબદસૃષ્ટિ અંતે હું લેટી લઉં છું.