Untitled
તું હ્રદયે વસનારી તું હ્રદયે વસનારી,
ઘટ ઘટ ભીતર નરતનહારી તું હ્રદયે..
તું અંતરના તાર પરસતી અંગુલિ કો રઢિયાળી,
તું તિમિરોનાં ધણ વાળી લૈ કરત સદા રખવાળી. તું હ્રદયે..
તું માનસ અમ મુકુલિત કરતી ઉજ્જવલ કો ધ્યુતિ અરુણા,
તું જીવનના વ્રણ પર વરસત કોઈ અમીમય કરુણા. તું હ્રદયે..
તું જીવનની જન્મ- ક્ષણોની ધાત્રી પ્રાણ-પ્રદીપા,
તું કદમે કદમે પ્રજ્વલતી અગ્નિજ્યોત સજીવા. તું હ્રદયે..
તું નયનો પર પડદા ઢાળી, અન્ય નયન દેનારી,
તું જગમાં - જગપાર અનંતે અમ સંગે ઘૂમનારી. તું હ્રદયે..
તું આનંદ અનર્ગળ પ્રભુનો, તું પ્રભુની પર શક્તિ,
તું ઋત રાત સૌ ધારણહારી, તું અંતિમ અમ મુક્તિ. તું હ્રદયે..
તું અમ ચરણોની ગતિ, તું અમ નેત્ર તણી ધ્રુવતારા,
તવ હ્રદયે અમ વાસ સદા હો, હે હરિની રસધારા. તું હ્રદયે..
Reviews
No reviews yet.