Untitled
મ્હારા કેસરભીના કંથ હો! સિધાવજો રણવાટ,
આભ ધ્રૂજે, ધરણી ધમધમે, રાજ, ઘેરા ઘોરે શંખનાદ,
દુંદુભિ બોલે મહારાજના હો! સામંતના જયવાદ.- મ્હારા …
આંગણ રણધ્વજ રોપીયા, રાજ, કુંજર ડોલે દ્વાર;
બંદીજનોની બિરદાવલી હો! ગાજે ગઢ મોઝાર: - મ્હારા ….
પુર પડે દેશ ડૂલતા, રાજ, ડગમગતી મ્હોલાત;
કીરત કેરી કારમી હો! એક અખંડિત ભાત: - મ્હારા….
નાથ! ચડો રણઘોડલે, રાજ, હું ઘેર રહી ગૂંથીશ;
બખતર વજ્રની સાંકળી, હો! ભરરણમાં પાઠવીશ:- મ્હારા…
સંગ લીયો તો સાજ સજું, રાજ, માથે ધરું રણમોડ;
ખડગને માંડવ ખેલવા, હો ! મારે રણલીલાના કોડ:- મ્હારા…
આવતાં ઝીલીશ બાણને, રાજ, ઢાલે વાળીશ ઘાવ;
ઢાલ ફૂટે મારા ઉરમાં હો! ઝીલીશ દુશ્મન દાવ:- મ્હારા…
એક વાટ રણવાસની , રાજ, બીજી સિંહાસન વાટ;
ત્રીજી વાટ શોણિતની સરિતે હો! શૂરાનો સ્નાનઘાટ:- મ્હારા…
જય કલગીએ વળજો, પ્રીતમ, ભીંજશું ફાગે ચીર;
નહીં તો વીરને આશ્રમ મળશું હો! સુરગંગાને તીર :- મ્હારા…
રાજમુગુટ રણરાજવી, રાજ, રણઘેલો રણધીર;
અધીરો ઘોડલો થનગને નાથ! વાધો રણે મહાવીર:- મ્હારા…
ગુજરાતી કવિતામાં શૌર્યગીતો ઘણાં ઓછાં રચાયા છે. ન્હાનાલાલ જેવા પ્રેમ અને ભક્તિરસના કવિએ આવી રચના પણ કરેલી છે, તે જાણી આપણને આ મહાકવિને શત શત પ્રણામ કરવાનું મન થઇ આવે છે.
Reviews
No reviews yet.